શું શા પૈસા ચાર?

મારી આ પોસ્ટ વાંચતા પહેલા એક જાહેરાત…  કદાચ તમને આ પોસ્ટ ભેદભાવ વાળી લાગી શકે છે [એની માટે એડવાન્સ માં ક્ષમાયાચના]

મારું વાંચવાનું શરુ થયું લગભગ ૭ માં ધોરણ થી. ભાવનગર થીઓસોફીકલ લોજ, ગૂગલ બુક્સ અને ક્રોસ વર્ડ ની મદદ થી ઘણું વાંચવાનો લાભ પ્રાપ્ત થયો છે. મનોજ ખંડેરિયા થી લઇ ને જોન કીટ્સ કે હરકિસન મેહતા થી લઇ ને ગબ્રીઅલ ગાર્સિયા માર્કેઝ અને ધ્રુવ ભટ્ટ થી લઇ ને પાઉલો કોએલ્હો ને વાચ્યા ના દાવા છાતી ઠોકી ને કરી શકાય એવી હાલત નથી પણ હા…. એટલું જરૂર કહી શકું છું અને એ પણ છાતી ઠોકી ને કે આ બધા ની ઉંચાઈ થી હું વાકેફ છું અને જેવો અને જેટલો અનુભવ છે એ તો એટલું જ કહે છે કે કમ સે કમ જેટલા ગુજરાતી સાહિત્યકારો ને અહિયાં મુક્યા છે એ એમના પશ્ચિમી સાથીદારો થી જરાય ઉતરતી કક્ષા ના નથી….. પણ આંખે ઉડી ને અને રસ્તા માં હૃદય ને વાગી ને દેખાતો અને અનુભવતો ફરક છે આમને મળેલી ઓડીયન્સ નો…. અને એમાં આપણા સાહિત્યકારો દેશ ના બીજા રાજ્યો ની સ્પર્ધા માં ક્યાય નથી……..

નજર ક્યાય આઘે કરવાની જરૂર નથી…. શરદ જોશી ને જ લઇ લો…. લાપતાગંજ કે અતિથી તુમ કબ જાઓગે જેવી રીશીકેશ મુખર્જી છાપ શુદ્ધ પારિવારિક કોમેડી ના સર્જક હોય કે મયખાના ના શરાબ કરતા ય વેધક અને જલદ એવી મધુશાલા ના કવિ હરિવંશરાય બચ્ચન કે પછી લીરીક્સ ના નામે કવિતા પીરસતા ગુલઝાર. બધા ને એમની પ્રજા એ યથા શક્તિ ઊંચક્યા છે… માથે બેસાડ્યા છે અને ક્યારેક ક્યારેક પૂજ્યા પણ છે……

અને આપણે લગભગ એક સૈકા પહેલા લખાયેલી પંક્તિ “શું શા પૈસા ચાર” ને હજી વળગી રહેવા માં માનતા હોઈએ એવું લાગે છે….. [મને આ આખી કવિતા યાદ નથી કદાચ કોઈ ને યાદ હોય તો કમેન્ટ તરીકે પોસ્ટ કરવા વિનંતી], અને જે રીતે સેલ્ફ હેલ્પ, કૂકરી, ધાર્મિક અને સ્વાસ્થ્ય સંબંધી પુસ્તકો ગુજરાત ના પુસ્તક મેળા ઓ માં ઠાલવતા રહેશે તો આ ચાર પૈસા પણ ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે overprised  ગણાશે.

પણ રાખે એવું માનતા કે હું અહિયાં ગુજરાતી ભાષા ના ભવિષ્ય વિષે કકળાટ કરવા બેઠો છું……. જેટલો કરવો હતો એટલો થઇ ગયો અને રાતે ચાર વાગે વધારે કકળાટ કરવાની તાકાત પણ નથી….. ઉલટા નો હું થોડો ઘણો આશાસ્પદ છું ગુજરાતી ભાષા ના ભવિષ્ય વિષે…. ખાસ કરી ને કેટલીક નવલકથા ઓ વાચી ને…… કેટલાક ગઝલ પ્રેમી મિત્રો પાસે થી ગઝલ ના ડોઝ તો નિયમિત લેતો રહું છું. અને ગઝલો અને કવિતા ઓ માં ભૂત અને વર્તમાન ભવિષ્ય ને ઘડવા માટે ઘણા સજ્જ દેખાઈ આવે છે….. અને અહિયાં હું તમારી સાથે મારા ગુજરાતી વાંચન ને શેર કરવા માગું છું….

કહે તે સ્વીકારું શરત માત્ર એકજ, મને મારી ક્ષણ દે પરત માત્ર એકજ…… સ્વ. મનોજ ખંડેરિયા ની આ ગઝલ પેહલી વાર વાચતા ની સાથેજ શરીર ની રોમે રોમ માં સમાઈ ગઈ હતી…. અને પછી, હાથ માં કારોબાર રાખ્યો તે, મને બારોબાર રાખ્યો તે….. તળેટી જતાં એવું લાગ્યા કરે છે, હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે, [સાભાર: http://www.manojkhanderia.com/?p=264] …. કવિ હૃદય ના માણસ ને trans  માં નાખી દેવા માટે આ છેલ્લી ગઝલ કાફી છે.  ગઝલ ના અંતે શબ્દ અને “ક્યાય પણ ગયો નથી” માં મૃત્યુ ને લક્ષ માં રાખી ને ગઝલ [મારા કેસ માં કવિતા] પૂરી કરવાની એમની સ્ટાઈલ ખાનગી ખૂણે મેં બિન્દાસ કોપી કરી છે…. [જાહેરાત: ગઝલો અને કવિતા વાંચવાનું બહુ ઓછું રહ્યું છે… મરીઝ ને વાંચેલા છે પણ એની કોઈ ગઝલ યાદ નથી, અને અત્યારે વિપિન પરીખ, કે જેને વાચી ને મેં મારી કવિતા ઓ ને કાયમી અછાંદસ બનાવી છે એનું સર્જન પણ બહુ યાદ નથી.. 😦 ]

કવિતા જેવા [વણખેડાયેલા] મહાસાગર વિષે મારી ચણીબોર જેવી કોમેન્ટ્રી અહિયાં પૂરી થાય છે અને હવે એક પ્રયાસ ગુજરાતી નવલકથા ઓ ની વિષે જ્ઞાન ઊલ્ટી કરવાનો.

૧૮૭૫ ના બળવા પછી ના ૩૦ વરસ ના સમયગાળા ને લક્ષ માં રાખી ને લખાયેલી બે નવલકથા ઓ, રમણલાલ દેસાઈ ની “ભરેલો અગ્નિ” અને પર્સનલ ફેવરીટ અશ્વિની ભટ્ટ ની “ઓથાર”. [પુરા ભારત માં આ વિષય ને લક્ષ માં રાખી ને કોઈ ફિક્શન લખાણું હોવાનું ખ્યાલ માં નથી]. અશ્વિની ભટ્ટ ની જ “અંગાર” કે “કટિબંધ”, હરકિસન મેહતા ની પેરાસાઈકોલોજીકલ થ્રીલર “જડ ચેતન” કે ભ્રષ્ટાચાર સામે લડતા સાધુ ની “અંત આરંભ”. અને મારી વિશ લીસ્ટ માં સહુથી ઉપર “અમર અલી ઠગ ના પીળા રૂમાલ ની ગાંઠ”. આમાંની કોઈ પણ એક નવલકથા નું ફિલ્મ રૂપાંતરણ ગોવિંદભાઈ પટેલ ને નેશનલ એવોર્ડ અપાવી શકે છે…..

ગુજરાત ની પ્રજા ની સાહસ ગાથા ને શબ્દ દેહ આપનારા બે સાહિત્યકારો, એક ઝવેરચંદ મેઘાણી અને બીજા ગુણવંતરાય આચાર્ય. એકે કસુંબો પીધો અને બીજા એ દરિયો ખુંદયો. ઝવેરચંદ મેઘાણી ને વાંચવાનું બહુ ઓછું  બન્યું છે. પણ આચાર્ય સાહેબ ની નવલકથાઓ ખરેખર ગમી છે… titanic  ને ભુલાવી દે એવી વીજળી ની દુર્ઘટના અને દરિયા ને જીતવાનું સપનું જોનારો હાજી, જંગબાર ની જેરામ શિવજી ની પેઢી, લાધાભા ઠાકોર, લાલિયો ઘંટ, મંગલ પારેખ [મંગો પાર્ક નામનો ગોરો પ્રવાસી], અનંત ચાવડો……. આ બધા પાત્રો અને એને સમાવતી નવલકથાઓ પાઈરેટ્સ ઓફ કેરેબિયન શ્રેણી ને ક્યાય ફેકી દે એવી છે……

અને અંત કરીશ ધ્રુવ ભટ્ટ થી…… ડીઝની વાળા એ જયારે ભારત માં પોતાની પ્રથમ ફિલ્મ તરીકે રોડ સાઈડ રોમિયો જેવો બકવાસ હથોડો પસંદ કર્યો ત્યારે એક અફસોસ રહી ગયો કે આના બદલે ધ્રુવ ભટ્ટ ની અતરાપી ને પસંદ કરી હોત તો આ નવલકથા ને ખરેખર ન્યાય મળ્યો કહેવાય. માત્ર અતરાપી જ નહિ. પાઉલો કોએલ્હો ની બેસ્ટ સેલર અલ્કેમિસ્ટ ને ય મોળી પડે એવી પર્સનલ ફેવરીટ સમુદ્રાન્તિકે… તત્વમસી… આ બધી નવલકથાઓ અઘરા માં અઘરું આધ્યાત્મ શીરા ની જેમ ગળે ઉતારે છે, અને એ પણ વાચવા અને વાગોળવા ગમે એવી વાર્તા ઓ રૂપે…….

બસ, હવે આંગળી ઓ ને આરામ આપું છું….. અહી સુધી વાચવા બદલ અને મારા વિચારો ને સહન કરવા બદલ hearty thanks.

અંત માં

 આ ફક્ત એ કૃતિ ઓ છે જે મેં વાચી છે અને વાચી હોવાનું યાદ છે. તમારી પાસે પણ આવી કૃતિ ઓ ની માહિતી હશે જે ગુજરાતી ને સાહિત્ય ને ગૌરવ અપાવી શકે….. તો તમે આવી કૃતિ ઓ ને કમેન્ટ માં લખી શકો  છો

Waiting for your comments:
Prasham Trivedi

Advertisements